education
મોરબીમાં ભારત વિકાસ પરિષદે ‘ભારત કો જાનો’ પ્રશ્નમંચ યોજ્યો:નીલકંઠ વિધાલય ખાતે 33 શાળાઓએ ભાગ લીધો, સાર્થક અને સરદાર પટેલ વિજેતા બન્યા
ભારત વિકાસ પરિષદ, મોરબી શાખા દ્વારા તા. ૨૦ સપ્ટેમ્બર, ૨૦૨૬ના રોજ નીલકંઠ વિધાલય ખાતે ‘ભારત કો જાનો’ મૌખિક પ્રશ્નમંચ કાર્યક્રમ યોજાયો હતો. આ સ્પર્ધામાં પ્રાથમિક વિભાગની ૨૩ અને માધ્યમિક વિભાગની ૧૦ એમ કુલ ૩૩ શાળાઓએ ભાગ લીધો હતો. કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટ્ય અને વંદેમાતરમ્ ગાન સાથે થઈ હતી. ત્યારબાદ બપોરે ૧ થી ૫ વાગ્યા સુધી વિવિધ રાઉન્ડમાં મૌખિક પ્રશ્નોત્તરી સ્પર્ધા યોજાઈ હતી. પ્રાથમિક વિભાગમાં મોરબીની સાર્થક વિદ્યા મંદિર અને માધ્યમિક વિભાગમાં બંગાવડીની શ્રી સરદાર પટેલ વિદ્યાલય વિજેતા બન્યા હતા. બપોરે ૫ થી ૬ વાગ્યા દરમિયાન ઈનામ વિતરણ અને સમાપન સમારોહ યોજાયો હતો. શાળા કક્ષાએ યોજાયેલી લેખિત પરીક્ષામાં પ્રથમ અને દ્વિતીય ક્રમે વિજેતા બનેલા ૮૬ બાળકોને શિલ્ડ, પ્રમાણપત્ર અને શૈક્ષણિક સામગ્રી આપી સન્માનિત કરાયા હતા. આ ઉપરાંત, મૌખિક પ્રશ્નમંચ સ્પર્ધામાં વિજેતા ટીમોને પણ શિલ્ડ આપી સન્માનિત કરાઈ હતી. આ પ્રસંગે નીલકંઠ સ્કૂલના પ્રિન્સિપાલ જોશી સાહેબ, સુમિતભાઈ સંધાણી, રાજેશભાઈ મોકાસણા, ગોપાલભાઈ મૂછડીયા, મનહરભાઈ કુંડારીયા, કૌશિકભાઈ અઘારા, ડો. જયેશભાઈ પનારા, મહાદેવભાઈ રંગપરીયા અને અમરીશભાઈ વ્યાસ હાજર રહ્યા હતા. પ્રશ્નોત્તરીની વ્યવસ્થા હિરેનભાઈ ધોરિયાણી અને રાજુભાઈ ડાંગરે સંભાળી હતી. તાલુકા અને શહેરના શિક્ષકોએ પણ જરૂરી સહકાર આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો. કાર્યક્રમનું સંચાલન વિનુભાઈ મકવાણાએ કર્યું હતું. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે સંયોજક પંકજભાઈ ફેફરે ઘણી મહેનત કરી હતી. અંતમાં ચિરાગભાઈ હોથીએ આભારવિધિ કરી હતી. રાષ્ટ્રગાન ‘જન ગણ મન’ બાદ બાળકો, વાલીઓ, શિક્ષકો અને કાર્યકર્તાઓએ અલ્પાહાર લીધો હતો, અને કાર્યક્રમ પૂરો થયો હતો. આ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં ભારતના ઇતિહાસ, સંસ્કૃતિ, પરંપરા અને રાષ્ટ્રીય ભાવનાનું જ્ઞાન વધારવા તેમજ રાષ્ટ્રપ્રેમની ભાવના મજબૂત બનાવવા માટે ખૂબ ઉપયોગી અને પ્રેરણાદાયી રહ્યો હતો.
Read full article on Divya Bhaskar