top
‘3 કેસ પાછા ખેંચો નહીં તો મુશ્કેલીમાં મૂકી દઇશ’:વડોદરામાં નિવૃત્ત કર્નલ પતિએ મહિલા ડૉક્ટર પત્નીને ઈ-મેઇલથી આપી ધમકી, પોલીસ ફરિયાદ નોંધાઈ
વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં રહેતા પતિ-પત્ની વચ્ચેનો લાંબા સમયથી ચાલતો કોર્ટ વિવાદ હવે પોલીસ સ્ટેશને પહોંચ્યો છે. નિવૃત્ત આર્મી મહિલા ડોક્ટરે આક્ષેપ કર્યો છે કે, તેમના એક્સ કર્નલ પતિએ તેમની સામે કોર્ટમાં ચાલી રહેલા કેસો પાછા ખેંચવા માટે ઈ-મેઈલ મારફતે વારંવાર ગંભીર દબાણ કર્યું હતું. એટલું જ નહીં, જો કેસો પરત નહીં ખેંચાય તો તેમને તેમજ પરિવારજનોને મોટી મુશ્કેલીમાં મૂકવાની અને સમાજમાં બદનામ કરવાની ધમકીઓ આપવામાં આવી હતી, જેને પગલે ભોગ બનનાર મહિલા ડોક્ટરે પોલીસ ફરિયાદ નોંધાવી છે. 30 વર્ષની કમાણી હડપ કરી મિલકત વસાવી મકરપુરા વિસ્તારમાં રહેતા નિવૃત્ત આર્મી ડોક્ટર મહિલાએ નોંધાવેલી ફરિયાદ મુજબ, લગ્નજીવન દરમિયાન પતિએ તેમની આશરે 30 વર્ષની મહેનતની કમાણીમાંથી તેમની જાણ બહાર પોતાના નામે વિવિધ મિલકતોમાં રોકાણ કરી લીધું હતું. જીવનનિર્વાહ માટે પૂરતા નાણાં પણ ન અપાતાં બંને વચ્ચે સતત તકરાર થતી હતી. આ અસહ્ય ત્રાસ બાદ પત્નીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી પતિ વિરુદ્ધ ડોમેસ્ટિક વાયોલન્સ તથા ભરણપોષણ (મેન્ટેનન્સ) સહિતની કાયદાકીય કોર્ટ કાર્યવાહી હાથ ધરી હતી. “ભાઈ-બહેન ક્યાં નોકરી કરે છે મને બધી ખબર છે” આ અદાલતી કાર્યવાહીથી છંછેડાયેલા પતિએ ઈ-મેઈલ મોકલી ત્રણેય કેસો પાછા ખેંચવા માટે સતત ધમકીઓ આપવાનું શરૂ કર્યું હતું. એક ઈ-મેઈલમાં સ્પષ્ટ શબ્દોમાં 'ત્રણેય કેસ પાછા ખેંચો નહીં તો મુશ્કેલીમાં મૂકી દઈશ' તેવી ધાકધમકી આપવામાં આવી હતી. આ ઉપરાંત પતિએ પત્નીના ભાઈ-બહેન કઈ જગ્યાએ નોકરી કરે છે અને વૃદ્ધ માતા-પિતા ક્યાં રહે છે તેની સંપૂર્ણ વિગતો હોવાનો ઉલ્લેખ કરી સમગ્ર પરિવારને હેરાન-પરેશાન કરવાની ખુલ્લી ધમકી આપી હતી. ECHS અને CSD કાર્ડ પણ કબજે કરી લીધા તાજેતરના ઈ-મેઈલમાં પણ નિયત સમયમર્યાદા આપીને કેસો પાછા ખેંચવા અલ્ટીમેટમ અપાયું હતું, અન્યથા કાનૂની ગૂંચવણોમાં ફસાવી દેવાની વાત કરાઈ હતી. આ ઉપરાંત પતિએ મહિલા ડોક્ટર તેમજ તેમની પુત્રીના ECHS મેડિકલ કાર્ડ તથા CSD કેન્ટીન કાર્ડ સહિતના મહત્વપૂર્ણ દસ્તાવેજો ગેરકાયદે પોતાની પાસે રાખી લીધા હોવાનો અને પુત્રીના વિદેશ અભ્યાસના ખર્ચ અંગે પણ વિવાદ ચાલી રહ્યો હોવાનો ઘટસ્ફોટ થયો છે. મહિલા ડોક્ટરે તમામ ઈ-મેઈલ અને જરૂરી પુરાવા પોલીસ સમક્ષ રજૂ કરી તાત્કાલિક તપાસ હાથ ધરવા માંગ કરી છે.
Read full article on Divya Bhaskar