crime
ત્રણ દરિયા કિનારે તમામ મોટી મૂર્તિઓનું થશે વિસર્જન:સુરત પોલીસ કમિશનરનું જાહેરનામું, 25 સપ્ટેમ્બરે 25 મુખ્ય માર્ગો બંધ; ડુમસ અને સુંવાલી બીચ બંધ, વૈકલ્પિક રૂટ જાહેર
સુરત શહેરમાં આગામી 25 સપ્ટેમ્બર રોજ યોજાનાર ગણેશ વિસર્જનને ધ્યાને રાખીને કાયદો-વ્યવસ્થા અને સુચારુ ટ્રાફિક સંચાલન માટે સુરત શહેર ઇન્ચાર્જ પોલીસ કમિશનર વાબાંગ જામીર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વિસર્જનના દિવસે સવારે 6 વાગ્યાથી સમગ્ર વિસર્જન પ્રક્રિયા સંપન્ન ન થાય ત્યાં સુધી શહેરના મુખ્ય 25 જેટલા માર્ગો સામાન્ય વાહનવ્યવહાર માટે પ્રતિબંધિત રહેશે અને વાહનચાલકો માટે વૈકલ્પિક રૂટની વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ મુકાયો છે. કુદરતી ઓવારા પર વિસર્જનની વ્યવસ્થા અને પોલીસ બંદોબસ્ત ડીસીપી શેફાલી બરવાલે જણાવ્યું હતું કે, સુરતમાં ગણેશ વિસર્જન માટે ત્રણ કુદરતી ઓવારા એવા હજીરા, મગદલ્લા અને ડુમસ ખાતે વ્યાપક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. હજીરા ખાતે 12 ક્રેન અને 12 ફોર્કલિફ્ટ, મગદલ્લા ખાતે 4 ક્રેન તથા ડુમસ ખાતે 2 ક્રેન અને ફોર્કલિફ્ટ તૈનાત રહેશે. વિસર્જન પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે ૨૫મી તારીખની સવારથી લઈને 26મી તારીખે વિસર્જન બંદોબસ્ત પૂર્ણ ન થાય ત્યાં સુધી ડીસીપી, એસીપી સહિતનો મહત્તમ પોલીસ સ્ટાફ સતત ફરજ પર હાજર રહેશે. નાગરિકો માટે સૂચનાઓ, ટ્રાફિક અને બીચ પર પ્રતિબંધ પોલીસ દ્વારા શહેરીજનોને અપીલ કરવામાં આવી છે કે 25મી તારીખે સવારે 6 વાગ્યાથી જાહેરનામું અમલમાં આવશે, જેના અંતર્ગત વિસર્જન પૂર્ણ ન થાય ત્યાં સુધી ભારે વાહનોની અવરજવર પર સંપૂર્ણ પ્રતિબંધ રહેશે. આ ઉપરાંત, જે નાગરિકો સુરત એરપોર્ટ જઈ રહ્યા હોય તેમને ઓછામાં ઓછા 3 કલાક વહેલા નીકળવાની સલાહ આપવામાં આવી છે, કારણ કે ડુમસ તરફ મૂર્તિઓના વિસર્જનનો મુખ્ય રૂટ તે જ રહેશે. સાથે જ સુરક્ષાના ભાગરૂપે સુવાલી બીચ અને ડુમસ બીચ 25મી સવારથી 26મી તારીખ સુધી સામાન્ય જનતા માટે બંધ રાખવામાં આવ્યા છે. ફાયર વિભાગ અને આપાતકાલીન સુરક્ષા ટીમોની તૈનાતી દરિયાઈ અને જળાશય વિસ્તારોમાં કોઈપણ અનિચ્છનીય ઘટનાને પહોંચી વળવા માટે ફાયર વિભાગ દ્વારા વિશેષ ટીમો તૈનાત કરવામાં આવી છે. મોટાભાગની વિશાળ ગણેશ પ્રતિમાઓ હજીરા તરફ આવતી હોવાથી અને ત્યાં હાઈ-ટેન્શન વીજ લાઈનો હોવાના કારણે ફાયર વિભાગની મુખ્ય ટીમ હજીરા ખાતે કાર્યરત રહેશે. આ સાથે મગદલ્લા અને ડુમસ ખાતે પણ દરિયાઈ સુરક્ષા માટે બોટ અને જરૂરી સાધનો સાથેની ટીમો સજ્જ રાખવામાં આવી છે. પ્રતિબંધિત માર્ગો અને વૈકલ્પિક રૂટ દિલ્હીગેટથી નહેરુ બ્રિજ સુધીનો રાજમાર્ગ દિલ્હીગેટ ચાર રસ્તાથી ગલેમંડી, પાણીની ટાંકી, રૂવાળા ટેકરા, પારસી શેરી, ભાગળ ચાર રસ્તા, જૂની લાગેટ ત્રણ રસ્તા, રૂકમાબાઈ ચોક, ચોકબજાર થઈ નહેરુ બ્રિજ સુધીનો આખો રાજમાર્ગ બંને તરફથી વિસર્જન સિવાયના વાહનો માટે બંધ રહેશે. વૈકલ્પિક વ્યવસ્થા વાહનચાલકો દિલ્હીગેટથી લીનિયર બસ સ્ટેન્ડ, ફાલસાવાડી સર્કલ થઈ રિંગરોડ તરફ જઈ શકશે. રાજમાર્ગની આંતરિક ગલીઓનો ટ્રાફિક ચોટા બ્રિજ નીચે થઈને બંને તરફ જઈ શકશે. કાસકીવાડથી ભાગળ કાસકીવાડ ચાર રસ્તાથી ભાગળ સુધીનો રસ્તો બંધ રહેશે. આ વાહનો આંતરિક ગલીઓ મારફતે દિલ્હીગેટ અને રિંગરોડ તરફ જઈ શકશે. ભાગળથી નવસારી બજાર ભાગળથી નવસારી બજાર સુધી બંને તરફનો માર્ગ બંધ રહેશે. વાહનચાલકો નવસારી બજાર ચાર રસ્તાથી હનુમાન ચાર રસ્તા, ગોપીપુરા ચોકી, ખપાટિયા ચકલા, ચોટાપુલ નીચે થઈ નાણાવટ તથા મુગલીસરા તરફ જઈ શકશે. ઉધના દરવાજાથી નવસારી બજાર આ માર્ગ તેમજ તેમાં ખુલતી તમામ ગલીઓ સામાન્ય વાહનો માટે બંધ રહેશે, જેના માટે આંતરિક ગલીઓનો ઉપયોગ કરવાનો રહેશે. નહેરુ બ્રિજથી મકાઈપુલ સર્કલ આ માર્ગ બંને બાજુ બંધ રહેશે. વાહનચાલકો સરદાર બ્રિજ, ચંદ્રશેખર આઝાદ બ્રિજ અથવા આંતરિક ગલીઓથી રિંગરોડ તરફ અવરજવર કરી શકશે. અઠવાગેટ, મકાઈપુલ અને ડુમ્મસ–એરપોર્ટ રૂટ પર નિયંત્રણો મકાઈપુલથી અઠવાગેટ મકાઈપુલથી નાનપુરા ચોકી (મુસા ઓપ્ટિકલ્સ) થઈ અઠવાગેટ તરફ જતા તમામ રસ્તા બંધ રહેશે. વાહનો આંતરિક રસ્તાથી રિંગરોડ તરફ જઈ શકશે. અઠવાગેટથી મકાઈપુલ (નાવડી ઓવારા થઈને) અઠવાગેટ સર્કલથી બહુમાળી બિલ્ડિંગ થઈ નાવડી ઓવારાથી મકાઈપુલ તરફ વાહનો જઈ શકશે નહીં. આ ટ્રાફિક અઠવાગેટ સર્કલથી રિંગરોડ તરફ ડાયવર્ટ કરાશે. અઠવાગેટથી એસ.કે. નગર ડાબી બાજુનો રસ્તો વિસર્જન વાહનો માટે અનામત રહેશે, જ્યારે એસ.કે. નગરથી અઠવાગેટ તરફનો જમણી બાજુનો રસ્તો સામાન્ય વાહનોની અવરજવર માટે ખુલ્લો રહેશે. ડુમ્મસ અને એરપોર્ટ માર્ગ એસ.કે. નગરથી ડુમ્મસ તરફ જતો માર્ગ વિસર્જન સિવાયના વાહનો માટે બંધ રહેશે, પરંતુ એરપોર્ટ જતા મુસાફરોના વાહનોને જવા દેવામાં આવશે. સામાન્ય વાહનો એસ.કે. નગરથી નહેર રોડ તરફ જઈ શકશે. વેસુ ચાર રસ્તાથી વાય જંક્શન સુધીનો માર્ગ સામાન્ય વાહનો માટે બંધ રહેશે, જોકે એરપોર્ટ જતા મુસાફરો જઈ શકશે. અન્ય વાહનો વી.આઈ.પી. રોડ થઈ આભવા તરફ જઈ શકશે. કુવાડા ત્રણ રસ્તાથી ડુમ્મસ કાદી ફળિયા કૃત્રિમ તળાવ તરફનો રસ્તો બંધ રહેશે. ડુમ્મસ ઓવારા પર વિસર્જન પૂર્ણ કર્યા બાદ ખાલી વાહનો ડુમ્મસ મોટી બજાર થઈ લંગર તરફ જશે, પરંતુ કુવાડા ત્રણ રસ્તાથી પરત આવી શકશે નહીં. કતારગામ, ડભોલી અને અમરોલી વિસ્તારના ડાયવર્ઝન કોઝવે વિસ્તાર કંથારીયા હનુમાન ચોક (ડી-માર્ટ)થી કોઝવે તરફનો માર્ગ બંધ રહેશે. સિંગણપોર ચાર રસ્તાથી આવતો ટ્રાફિક કંથારીયા હનુમાન ચોકથી ડભોલી બ્રિજ તરફ જઈ શકશે. કોઝવે સર્કલથી ડી-માર્ટ તરફ આવવા માટે જૂના ચંદન ગેસ ગોડાઉનવાળા આંતરિક રસ્તાનો ઉપયોગ કરવાનો રહેશે. તિરૂમાલા કોમ્પ્લેક્સથી કોઝવે ઓવારા તરફનો રસ્તો પણ સામાન્ય વાહનો માટે બંધ રહેશે. લંકાવિજય ઓવારા (અમરોલી) ગજેરા રત્નમાલા સર્કલથી લંકાવિજય ઓવારા તરફનો રસ્તો બંધ રહેશે. ઉત્કલ નગર અને ગજેરા સ્કૂલ તરફથી આવતા વાહનો ગજેરા રત્નમાલા સર્કલથી ગજેરા લેકવ્યૂ સર્કલ, કાસાનગરથી યુ-ટર્ન લઈ રત્નમાલા ઓવરબ્રિજ ચઢી જૂના જકાતનાકા થઈ અમરોલી તરફ જઈ શકશે. વરાછા, ઉધના, ડીંડોલી, સચિન અને રાંદેર–હજીરા વિસ્તાર વરાછા (સરથાણા) લટુરીયા ચોક (ભગવાનનગર ચોક)થી સરથાણા જકાતનાકા તરફનો રસ્તો તમામ વાહનો માટે બંધ રહેશે. વાહનો ભગવાનનગર સોસાયટી થઈ સીમાડા ચાર રસ્તા અથવા વીટીનગર થઈ નવજીવન સર્કલથી સરથાણા જકાતનાકા જઈ શકશે. ડીંડોલી–ઉધના સાંઈ પોઈન્ટ ચાર રસ્તાથી ભરવાડ નગર સુધીનો ડાબી બાજુનો રોડ બંધ રહેશે. વાહનચાલકો ડીંડોલી-ગોડાદરા ઓવરબ્રિજ થઈ નીલગીરી સર્કલ તરફથી અથવા વારીગૃહ-પ્રમુખ પાર્ક બ્રિજ-ભેદવાડ ખાડી-દક્ષેશ્વર ત્રણ રસ્તા થઈ ઉધના તરફ જઈ શકશે. સચિન–હાઇવે તુલસી હોટલ તરફ સચિન સુડા સેક્ટર ખાતે ઓવારા નજીક સ્ટેટ હાઇવે પર બંને દિશામાં 200-200 મીટરનો રસ્તો માત્ર વિસર્જન વાહનો માટે રહેશે. રાંદેર–દાંડી રોડ સુભાષબાગ સર્કલથી દાંડી ફાટક ચાર રસ્તા સુધીનો રસ્તો બંધ રહેશે. વાહનો મોરા ભાગળથી સ્વામિનારાયણ ચોક, સ્નેહરશ્મિ બોટનિકલ ગાર્ડન, રામા રેસિડેન્સી રોડ અને નહેર રોડ થઈ સિલ્વર સ્ટોન સર્કલ તથા હજીરા-સાયણ રોડ તરફ જઈ શકશે. મોરા ચાર રસ્તાથી ગણપતિ ચેકપોસ્ટ તરફનો રોડ બંધ રહેશે, જેનો વૈકલ્પિક રૂટ મોરા ટેકરા થઈ હજીરા બાયપાસ તરફ રહેશે. ભારે વાહનોના શહેરમાં પ્રવેશ પર પ્રતિબંધ પલસાણા ચાર રસ્તાથી સચિન હાઇવે તરફથી ભારે વાહનો શહેરમાં પ્રવેશી શકશે નહીં; તેઓ કામરેજ તરફના રસ્તાનો ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત સાયણ તરફથી આવતા ભારે વાહનો વરીયાવ તોપ સર્કલથી ઓએનજીસી હજીરા તરફ જઈ શકશે નહીં. ઓલપાડ તરફથી આવતા ભારે વાહનો પણ સરોલી બ્રિજ નીચેથી ટર્ન લઈને હજીરા તરફ કે શહેર વિસ્તારમાં પ્રવેશી શકશે નહીં. સરકારી સેવાના વાહનો, પોલીસ વાહનો, ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સ જેવા તાકીદની સેવાના વાહનોને આ પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે. જાહેરનામામાં સ્પષ્ટ ચેતવણી આપવામાં આવી છે કે આ હુકમનો ભંગ કરનાર કોઈપણ વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)-2023ની કલમ-223 તથા ગુજરાત પોલીસ એક્ટ 1951ની કલમ-131 હેઠળ કાનૂની શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે.
Read full article on Divya Bhaskar