business
સુરતીઓ માટે મુંબઈ એર કનેક્ટિવિટીનું સપનું ફરી અધૂરું:મુંબઈ ફ્લાઇટ બુકિંગ અચાનક બંધ, 25 ઓક્ટોબરથી શરૂ થનારી એર ઇન્ડિયા એક્સપ્રેસની ઉડાન પર યુ-ટર્ન
સુરતથી મુંબઈ વચ્ચે સીધી વિમાની સેવા શરૂ થવાની આશા રાખીને બેઠેલા સુરતીઓ અને ટેક્સટાઇલ-હીરા ઉદ્યોગકારોમાં ફરી એકવાર ભારે નિરાશા ફેલાઈ ગઈ છે. સુરતથી નવી મુંબઈ રૂટ પર આગામી 25 ઓક્ટોબરથી શરૂ થનારી એર ઇન્ડિયા એક્સપ્રેસની સીધી ફ્લાઇટનું બુકિંગ એરલાઇન કંપની દ્વારા કોઈપણ સ્પષ્ટતા વગર અચાનક બંધ કરી દેવામાં આવ્યું છે. સુરતીઓને અપેક્ષા હતી કે આખરે દેશની આર્થિક રાજધાની સાથે ઝડપી એર કનેક્ટિવિટી મળશે, પરંતુ કંપનીના ઓચિંતા યુ-ટર્નથી મુસાફરોના ઉત્સાહ પર ઠંડુ પાણી ફરી વળ્યું છે. એરલાઇન્સે સ્પષ્ટતા કરી છે કે જે મુસાફરોએ અગાઉથી ટિકિટ બુક કરાવી લીધી હતી, તેમને સંપૂર્ણ રિફંડ ચૂકવી દેવામાં આવશે, એટલે કે આ ફ્લાઇટ પ્રસ્તાવિત તારીખથી ઓપરેટ થશે નહીં. નવી મુંબઈ નહીં પણ મેઇન એરપોર્ટ કનેક્ટિવિટીની માંગ આ ફ્લાઇટની સત્તાવાર જાહેરાત થઈ ત્યારથી જ સુરતના ડાયમંડ અને ટેક્સટાઇલ માર્કેટ સાથે સંકળાયેલા વેપારી વર્ગમાં નારાજગી જોવા મળતી હતી. વેપારીઓનું સ્પષ્ટ કહેવું હતું કે સુરતને નવી મુંબઈ નહીં, પરંતુ મુંબઈના મુખ્ય છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ (CSMIA) સાથે સીધું જોડાણ મળવું જોઈએ. નવી મુંબઈ એરપોર્ટ પર ઉતર્યા બાદ મુંબઈના મુખ્ય બિઝનેસ હબ જેવા કે બીકેસી (BKC), નરીમન પોઈન્ટ કે ઝવેરી બજાર પહોંચવા માટે રોડ માર્ગે 2 થી 3 કલાકનો સમય અને ભારે ટેક્સી ભાડું ખર્ચવું પડે તેમ હતું, જે ફ્લાઇટ દ્વારા બચાવેલા સમય અને નાણાંને સાવ વ્યર્થ બનાવી દેતું હતું. 50 મિનિટની સફર માટે ₹10 હજારનું ભાડું મુસાફરોને અસ્વીકાર્ય બન્યું ફ્લાઇટના રૂટની સાથોસાથ તેના અવાસ્તવિક અને મોંઘાદાટ ભાડાને લઈને પણ મુસાફરોમાં ઉગ્ર વિરોધ જોવા મળ્યો હતો. 2 સપ્ટેમ્બરે જ્યારે આ ફ્લાઇટનું બુકિંગ શરૂ કરાયું ત્યારે એક તરફનું પ્રારંભિક ભાડું અધધધ ₹9,000 થી ₹10,700 જેટલું દર્શાવવામાં આવ્યું હતું. માત્ર 50 મિનિટની ટૂંકી હવાઈ મુસાફરી માટે આટલું આસમાને પહોંચેલું ભાડું વેપારીઓ અને સામાન્ય પ્રવાસીઓ માટે સ્વીકાર્ય નહોતું. જનતાના વિરોધ બાદ કંપનીએ તાબડતોબ 44 ટકાનો મોટો ઘટાડો કરીને ભાડું ₹6,001 કર્યું હોવા છતાં મુસાફરો તરફથી બુકિંગમાં કોઈ ખાસ ઉત્સાહ જોવા મળ્યો ન હતો.
Read full article on Divya Bhaskar