politics
200 કરોડનો આઇકોનિક માર્ગ ભ્રષ્ટાચારના ભૂવામાં હોમાયો:ગાંધીનગર મેયરના જ વોર્ડમાં મસમોટો ભૂવો છતાં કૉંગ્રેસનું સૂચક મૌન, મનપાના સ્માર્ટ વિકાસના દાવાની પોલ ખુલી
ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સિટી અને આંતરરાષ્ટ્રીય સ્તરની સુવિધાઓના નામે કરોડો રૂપિયાનું આંધણ કરીને તૈયાર કરાયેલો શહેરનો સૌપ્રથમ આઇકોનિક રોડ હવે તંત્રની ઘોર બેદરકારી અને લોટ પાણી ને લાકડાં જેવાં કામકાજનો જીવંત પુરાવો બની ગયો છે. ખુદ શહેર કોંગ્રેસ પ્રમુખની ઓફિસથી દસ ડગલા દૂર એકસાથે બે ગાડીઓ સમાઈ જાય તેવો મસમોટો ભયાનક ભૂવો પડતા પ્રજાના કરોડોના ટેક્સના રૂપિયાનું મનપા તંત્રના શાસક પક્ષે આંધણ કરી નાખ્યાનું ચિત્ર ઉપસી આવ્યું છે. આ વિશાળ ભુવાથી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ ભાઈજીપુરાથી પીડીપીયુ અને ગિફ્ટ સિટીને જોડતા 4 કિલોમીટર લાંબા જ્ઞાન માર્ગને 200 કરોડ રૂપિયાના તોતિંગ ખર્ચે વિકસાવવામાં આવ્યો હતો. હરિયાળી, સાયકલ ટ્રેક, બ્યુટીફિકેશન અને એલઇડી લાઈટોથી સજ્જ આ માર્ગને રિવરફ્રન્ટ સુધી લંબાવા માટે ઓગસ્ટ મહિનામાં જ સ્ટેન્ડિંગ કમિટી દ્વારા વધુ 10 કરોડ રૂપિયા મંજૂર કરવામાં આવ્યા હતા. પરંતુ પ્રજાના ટેક્સના કરોડો રૂપિયાના આંધણ વચ્ચે આંધળા વિકાસની દોટમાં આ વિશાળ ભુવાથી ભ્રષ્ટાચારની પોલ ખુલ્લી પડી ગઈ છે. બેથી ત્રણ ગાડીઓ સમાઈ જાય તેવો મસમોટો જીવલેણ ભૂવો પીડીપીયુ માર્ગ પર આવેલા સર્વિસ રોડ પર ગાંધીનગર શહેર કોંગ્રેસ પ્રમુખની ઓફિસની સાવ નજીક જ એકસાથે બેથી ત્રણ ગાડીઓ સમાઈ જાય તેવો મસમોટો જીવલેણ ભૂવો પડી ગયો છે. આગામી મહાનગરપાલિકા ચૂંટણીઓને લઈને હાલમાં ભાજપમાં સેન્સ પ્રક્રિયા અને ચૂંટણી પ્રચારનો ધમધમાટ ચાલી રહ્યો છે. શાસક પક્ષ જે વિકાસના મોડેલને આગળ ધરીને સમગ્ર ચૂંટણી જંગ જીતવાનો દાવો કરી રહ્યો છે તે તમામ દાવાઓનું વરવું ચિત્ર આ મસમોટા ભૂવાએ રજૂ કરી દીધું છે. મેયરના જ વોર્ડમાં મસમોટો ભૂવો છતાં કૉંગ્રેસ મૌન! એમાંય સળગતી બાબત તો એ છે કે આ વિસ્તાર વોર્ડ નંબર 10માં આવે છે. જે ખુદ ગાંધીનગરના મેયર મીરાબેન પટેલનો જ વોર્ડ છે અને સ્ટેન્ડિંગ ચેરમેન ગૌરાંગ વ્યાસ પણ આ વિસ્તારના વિકાસને લઈને ઘણા પજેસીવ રહે છે. આ વિસ્તારમાં ગુણવત્તા વગરના કામ અને ભ્રષ્ટાચારના નમૂના સમાન આ સ્થિતિ સર્જાતા શાસક પક્ષ અને મનપા તંત્ર હાલ બેકફૂટ પર આવી ગયું છે. બીજી તરફ ચૂંટણીનો માહોલ ગરમ હોવા છતાં વિરોધ પક્ષની ભૂમિકા સામે પણ ગંભીર સવાલો ઊભા થયા છે. શહેર કોંગ્રેસ પ્રમુખની ઓફિસથી થોડે દૂર આટલો મોટો ભૂવો પડ્યો હોવા છતાં મુખ્ય વિપક્ષે આ મામલે ભેદી મૌન ધારણ કરી લીધું છે. ભૂતકાળમાં પણ આ જ સર્વિસ રોડ પર કામકાજ દરમિયાન આખેઆખો નવો રોડ બેસી ગયો હતો અને દોઢ-બે મહિના સુધી રસ્તો બંધ રાખવો પડ્યો હતો છતાં કોંગ્રેસે કોઈ નક્કર વિરોધ નોંધાવવાને બદલે શરણાગતિ સ્વીકારી લીધી હતી. મનપાએ બેરીકેટિંગ કરીને સંતોષ માન્યો હાલમાં મનપા તંત્રે ભૂવા આસપાસ બેરીકેટિંગ કરીને સંતોષ માની લીધો છે, પરંતુ આગામી મહિને યોજાનારી ચૂંટણીમાં તમામ 44 બેઠકો જીતવાના સપના જોતા ભાજપ માટે આ ગ્રાઉન્ડ રિયાલિટી ભારે આંચકાજનક સાબિત થવાની છે.
Read full article on Divya Bhaskar