politics
વલસાડમાં 150થી વધુ દીકરીઓ સમૂહ લગ્નમાં પ્રભુતામાં પગલાં પાડશે:31 જાન્યુઆરી, 2027ના રોજ ગુંદલાવ ખાતે 11મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન
વલસાડ તાલુકા પટેલ સમાજ પ્રગતિ મંડળ અને શ્રી ચંદ્રમૌલેશ્વર મહાદેવજી સંસ્થાપન ટ્રસ્ટ દ્વારા 11મા સર્વ જ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરાયું છે. વલસાડના ધારાસભ્ય ભરતભાઈ પટેલની પ્રેરણાથી આ સમૂહ લગ્ન 31 જાન્યુઆરી 2027, રવિવારના રોજ ગુંદલાવ ખાતે યોજાશે. આ અંગે જાણકારી આપવા માટે કોળી પટેલ સમાજની વાડી ખાતે એક પત્રકાર પરિષદ બોલાવવામાં આવી હતી. પત્રકાર પરિષદમાં વલસાડના ધારાસભ્ય અને મંડળના પ્રમુખ ભરતભાઈ પટેલે વાત કરતા જણાવ્યું કે, ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારોને આર્થિક મદદ કરવાના હેતુથી છેલ્લા 10 વર્ષથી આ સમૂહ લગ્નનું સતત આયોજન થઈ રહ્યું છે. અત્યાર સુધીમાં 10 સર્વ જ્ઞાતિ સમૂહ લગ્ન દ્વારા 1,200થી વધુ દીકરીઓના લગ્ન કરાવાયા છે. આ વર્ષે 11મા વર્ષમાં 150થી વધુ યુગલો લગ્ન કરે તેવું આયોજન છે. આ સમૂહ લગ્નમાં જોડાનાર કન્યાઓને સંસ્થા તરફથી મંગળસૂત્ર, કબાટ, પંખો, સ્ટીલના વાસણો, કુકર અને ભાગવત ગીતા સાથે 25 જેટલી ઘરવખરીની વસ્તુઓ કરિયાવર રૂપે આપવામાં આવશે. આ ઉપરાંત, કન્યા માટે પાનેતર અને વર માટે શેરવાની પણ મામેરા તરીકે અપાશે. સરકારી સહાય અંગે વાત કરતા ધારાસભ્યએ જણાવ્યું કે, કન્યાઓને 'સાત ફેરા સમૂહ લગ્ન યોજના' હેઠળ ₹12,000 અને 'કુંવરબાઈનું મામેરું યોજના' હેઠળ ₹12,000 મળીને કુલ ₹24,000ની આર્થિક સહાય સરકાર તરફથી સીધી બેંક ખાતામાં ચેક દ્વારા મળશે. આ પ્રસંગે 25,000થી વધુ લોકો હાજરી આપે તેવી અપેક્ષા છે. તેને ધ્યાનમાં રાખીને 250થી વધુ સ્વયંસેવકો અને કાર્યકરોની ટીમો બનાવાઈ છે. કાર્યક્રમમાં રાજ્યના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને સાંસદો સહિતના અગ્રણીઓને પણ આમંત્રણ અપાશે. લગ્ન કરવા ઈચ્છતા યુગલો માટે પટેલ સમાજ વાડી (તિથલ રોડ, વલસાડ) ખાતેથી ફોર્મ મેળવી શકાય છે. આ સિવાય સંસ્થાની વેબસાઇટ www.valsadkolipatel.org પરથી પણ ફોર્મ ડાઉનલોડ કરી શકાય છે. ભરેલા ફોર્મ 15 નવેમ્બર સુધીમાં પટેલ સમાજ વાડી ખાતે જમા કરાવવાના છે.
Read full article on Divya Bhaskar