crime
રાધનપુરમાં ભેળ-પાણીપુરી ખાધા બાદ 12ને ફૂડ પોઈઝનિંગની આશંકા:આખા પરિવારને ઝાડા-ઉલટી બાદ સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો, 4ને અન્ય હોસ્પિટલ રિફર કરાયા
રાધનપુરના બંધવડ ગામના 12 લોકોને ફૂડ પોઇઝનિંગની અસર થઈ હોવાની ગંભીર ઘટના સામે આવી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, પરિવારના સભ્યોએ રાધનપુર ખાતે એક લારી પર ભેળ, પાણીપુરી અને ફાસ્ટફૂડનું સેવન કર્યું હતું, જેના થોડા સમય બાદ તેમની તબિયત લથડી હતી. એકસાથે તમામને ઝાડા-ઉલટી અને તાવની તકલીફ જણાતા તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. તમામ દર્દીઓની હાલત ખતરા બહાર છે અને યોગ્ય સારવાર બાદ તેઓ સાજા થઈ રહ્યા છે. 12 દર્દીઓની હોસ્પિટલમાં સારવાર મળતી વિગતો મુજબ, અસરગ્રસ્ત 12 વ્યક્તિઓમાંથી 8 લોકોને રાધનપુરની હિમજા ક્લિનિક ખાતે સારવાર આપવામાં આવી હતી. જ્યારે અન્ય 4 લોકોને અન્ય ચિકિત્સાાલયમાં ખસેડાયા હતા. હિમજા ક્લિનિકના તબીબ નીતિન ઠક્કરના જણાવ્યા અનુસાર, એક જ પરિવારના સભ્યોની તબિયત અચાનક બગડતા તાત્કાલિક ધોરણે સારવાર શરૂ કરવામાં આવી હતી. સદનસીબે, હાલ તમામ દર્દીઓની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે. ખાદ્ય સુરક્ષા અને સ્વચ્છતા સામે ગંભીર સવાલો આ ઘટનાને પગલે રાધનપુર શહેરમાં રસ્તા પર ચાલતી લારીઓ પર વેચાતા ખાદ્ય પદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતા સામે મોટા સવાલો ઊભા થયા છે. સ્થાનિક સ્તરે અનેક ચર્ચાઓ શરૂ થઈ છે. ખાદ્ય સુરક્ષા વિભાગ દ્વારા અવારનવાર ખાદ્ય પદાર્થોના સેમ્પલ લેવામાં આવે છે કે કેમ? લારી-ગલ્લા ધારકો દ્વારા સ્વચ્છતાના નિયમોનું પાલન થાય છે કે નહીં? નગરપાલિકા દ્વારા નિયમિત ધોરણે આરોગ્ય લક્ષી તપાસ કરવામાં આવે છે કે નહીં? હાલ ફૂડ પોઇઝનિંગનું ચોક્કસ કારણ અને કયા ખાદ્ય પદાર્થના કારણે તબિયત બગડી તે સત્તાવાર તપાસ બાદ જ બહાર આવશે. આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સંબંધિત તંત્ર દ્વારા તાત્કાલિક તપાસ હાથ ધરીને ખાણીપીણીની વસ્તુઓની ગુણવત્તા ચકાસવામાં આવે તેવી પ્રબળ લોકમાગ ઉઠી છે.
Read full article on Divya Bhaskar