રશિયા પર તૂટી પડ્યું યુક્રેન, તાબડતોડ 100થી વધુ ડ્રોન છોડ્યા; 2 ના મોત અને 20 ઘાયલ
Ukraine massive drone attack: રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલું યુદ્ધ હવે એક અત્યંત ભયાવહ વળાંક પર પહોંચી ગયું છે. રશિયામાં ચાલી રહેલી સંસદીય ચૂંટણીઓના અંતિમ તબક્કા વચ્ચે યુક્રેને મોસ્કો પર અત્યાર સુધીનો સૌથી મોટો અને ઘાતક ડ્રોન હુમલો કર્યો છે. પ્રાપ્ત અહેવાલો અનુસાર, યુક્રેન દ્વારા રશિયા પર એકસાથે 1000 થી વધુ ડ્રોન છોડવામાં આવ્યા છે, જેના કારણે રશિયાની રાજધાની મોસ્કો સહિત અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જાઈ છે. આ ભીષણ ડ્રોન હુમલામાં બે રશિયન નાગરિકોના મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 20 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
મોસ્કોમાં ઇમરજન્સી અને એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય
મોસ્કોના મેયર સેરગેઈ સોબ્યાનિને આ હુમલાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે યુક્રેને 1600 થી વધુ ડ્રોનનો ઉપયોગ કર્યો હતો, જેમાંથી લગભગ 450 ડ્રોન સીધા રાજધાની મોસ્કો તરફ આવી રહ્યા હતા. રશિયન એર ડિફેન્સ સિસ્ટમે આમાંના મોટાભાગના ડ્રોનને હવામાં જ તોડી પાડ્યા હોવાનો દાવો કર્યો છે. જોકે, કેટલાક ડ્રોન તેમના લક્ષ્યાંક સુધી પહોંચવામાં સફળ રહ્યા હતા, જેના કારણે મોસ્કોની એક મોટી ઓઇલ રિફાઇનરી અને કેટલાક રહેણાંક મકાનોને ભારે નુકસાન પહોંચ્યું છે. મોસ્કો પ્રદેશના ગવર્નર આન્દ્રે વોરોબ્યોવના જણાવ્યા અનુસાર, આ હુમલામાં જીવ ગુમાવનાર બે વ્યક્તિઓમાં એક 74 વર્ષીય વૃદ્ધ પુરુષ અને 44 વર્ષીય મહિલાનો સમાવેશ થાય છે.
યુક્રેનનો હેતુ: રશિયાની આર્થિક કરોડરજ્જુ તોડવી
આ અત્યંત આક્રમક હુમલા અંગે યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન આપ્યું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે આ હુમલામાં યુક્રેનમાં જ બનેલા 'ફ્લેમિંગો' અને 'પેલિકન' જેવા આધુનિક ડ્રોન અને મિસાઇલોનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઝેલેન્સકીના મતે, આ હુમલાઓનો મુખ્ય ઉદ્દેશ રશિયાની ઓઇલ રિફાઇનરીઓ અને લોજિસ્ટિક્સ સુવિધાઓને નષ્ટ કરીને રશિયન યુદ્ધ મશીનને આર્થિક રીતે કમજોર કરવાનો છે.
રશિયાનો વળતો પ્રહાર અને દાવાઓ
બીજી તરફ, રશિયન સંરક્ષણ મંત્રાલયે દાવો કર્યો છે કે તેમની સેનાએ ક્રિમીઆ અને કાળા સમુદ્રના આકાશમાં ઉડતા ડ્રોન સહિત દેશભરમાં કુલ 1100 થી વધુ યુક્રેનિયન ડ્રોનને તોડી પાડ્યા છે. મોસ્કોના મેયરે આ હુમલાને 'અભૂતપૂર્વ' ગણાવ્યો હતો અને તેને ચૂંટણી પ્રક્રિયાને ખોરવવાનો નિષ્ફળ પ્રયાસ ગણાવ્યો હતો. આ દરમિયાન રશિયાએ પણ યુક્રેન પર પોતાના હુમલાઓ વધુ તેજ કર્યા છે. યુક્રેનિયન અધિકારીઓએ માહિતી આપી છે કે યુક્રેનની રાજધાની કિવ પર રાત્રિ દરમિયાન થયેલા રશિયન હુમલામાં 3 માસૂમ બાળકો સહિત 4 લોકોના કરુણ મોત થયા છે. નોંધનીય છે કે, થોડા દિવસો પહેલા જ કિવ નજીકના બુચા જિલ્લામાં રશિયાએ કરેલા એક ભયાનક હુમલામાં 37 લોકોએ જીવ ગુમાવ્યા હતા.
ચૂંટણીઓ અને રાજકીય વિવાદ
નોંધનીય છે કે, રશિયામાં હાલ યુદ્ધ શરૂ થયા પછીની પ્રથમ સંસદીય ચૂંટણીઓ યોજાઈ રહી છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની કડક નીતિઓને કારણે આ ચૂંટણીઓમાં વિરોધ પક્ષની હાજરી બિલકુલ નહિવત્ છે. રશિયાએ યુક્રેનના જે ચાર પ્રદેશો પર યુદ્ધ દરમિયાન કબજો જમાવ્યો છે અને 2014 માં જોડી દીધેલા ક્રિમીઆમાં પણ મતદાન કરાવ્યું છે. યુક્રેને આ વિસ્તારોમાં યોજાયેલી ચૂંટણીઓનો સખત વિરોધ કરી તેને સંપૂર્ણપણે ગેરકાયદેસર જાહેર કરી છે.